નવસારી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સરકાર જિલ્લા-તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરના અધ્યક્ષસ્થાને ગીતા મલ્ટિપર્પઝ હોલ, મણિનગર કેમ્પસ, ખારેલ, ગણદેવા ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના ત્રણ અને તાલુકાકક્ષાના બે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરી શિક્ષકદિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
સમારોહમાં શિક્ષણવિદ્ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષકના રૂપમાં અમૂલ્ય યોગદાનને યાદ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરે જણાવ્યું હતું કે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પોતાની આગવી બુદ્ધિ-પ્રતિભાથી રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ પ્રગટતી હતી.
શિક્ષકની વંદના કરવાનો દિવસ હોવાનું જણાવી ઉમેર્યું કે, સાધુ એ શીલનો, મા એ કરુણાનો અને ગુરુ એ જ્ઞાનનો પર્યાય છે. પરંતુ એકલો શિક્ષક જ શીલ, જ્ઞાન અને કરુણાનો ત્રિવેણી સંગમ છે. શિક્ષક એ સમાજના ગુણાત્મક પરિવર્તનનો પાયો છે. આજે રાજ્ય સરકારે ગામેગામ આંગણવાડી, ડિજિટલ શિક્ષણ આપતી શાળાઓનું નિર્માણ કરી ચારેકોર શિક્ષણને સુલભ બનાવ્યું છે. આ અવસરે ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, શિક્ષક એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે. શિક્ષક દ્વારા જ જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ મળે છે. ગુરુના જ્ઞાન, પ્રેરણા અને પ્રયત્નોથી જ વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલે છે. બાળકોના ચરિત્રનું ઘડતર શિક્ષક જ કરતા હોય છે.
નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, સંસ્કાર સિંચન કરનાર શિક્ષકની વંદના શાળા સમયના શિક્ષકોને શિક્ષક દિને અવશ્ય યાદ કરી આદરભાવ દર્શાવવો જોઇએ.
આ વેળા પ્રમુખના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ તરીકે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ-૧૦ અને ૧૨નું ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ, પ્રતિભાશાળી શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શાલ, સન્માન, સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરાયું હતું. તેમજ ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અદ્યતન નિષ્પત્તિ, પ્રશ્નબેંક પુસ્તિકાનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભગીરથસિંહ પરમારે આભારવિધિ કરી હતી.આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષા દર્શનાબેન પટેલ, પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરી, નવસારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.